Sunday, June 7, 2020

*વાયરલ કરવા જેવી વાત

*મારા ઘાસમાંથી બહાર નીકળો*

આપણે કોઇની સાથે સહેજ પણ અણછાજતું વર્તન કરીએ તો તેની પ્રતિક્રિયા પણ એટલી જ ભયંકર હોય છે, અને એમાંય જો તેનો હોદ્દો ઉંચો હોય તો વાત જ ન પૂછો...!! રાજકીય કે બિનરાજકીય નાના હોદ્દાવાળાં પણ તેમના કેટલાય ટેગ લગાવીને રોફ જમાવતા આપણે દરરોજ જોઇએ છીએ. આપણાં દેશમાં તો દરેકને પોતાના હોદ્દાનો ઘમંડ દિવસને દિવસે વધતો જાય છે. ઉંચા હોદ્દા કે સમૃધ્ધિના ઉંચા શિખરે પહોંચીને સરળ થવું સહેલું નથી હોતું.

આવી જ એક ઘટના બની ઓસ્ટ્રેલિયામાં...! ઘટના કોઇ સાધારણ વ્યકિત સાથે નહી પણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે બની...! ત્યાંના વડાપ્રધાન સ્કોટ મોરિસનની સરળતા અને નિખાલસતાનો એક પ્રસંગ થોડા દિવસ પહેલા જ બન્યો...!  કેનબરા વિસ્તારના એક ગૂગોન્ગ ગ્રામ્ય વિસ્તારમાં તેઓની મૂલાકાત હતી. કોરોનાની મહામારી સામે ત્યાં રહેલા લોકો માટે તે કોઇ વિશેષ સહાયની જાહેરાત કરવાના હતા. આ જાહેરાત માટે ન કોઇ મોટી સભા કે ન મોટો મંચ, ન મંડપ કે ન મોટો પ્રપંચ...!! એક ઘરની બહાર જ તાજા ઉગેલા ઘાસમાં ઉભા રહીને તેમને પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી.

આ સમયે એક અસાધારણ ઘટના બની. વડાપ્રધાન જે ઘરની બહાર ઉભા હતા તેનો મકાનમાલિક બહાર આવ્યો અને બહાર ખૂબ વડાપ્રધાનને પોતાના ઘરના ઘાસમાં ઉભેલા જોઇ તેની પ્રતિક્રિયા સાવ ઉલ્ટા પ્રકારની હતી. સામાન્યત: આપણે આપણાં ઘરની બહાર કોઇ નેતા કે કોઇ મોટો માણસ આવે તો હર્ષઘેલા થઇ જઇએ છીએ...! પણ આ વ્યક્તિએ તો એકક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેમની ચાલુ કોન્ફરન્સમાં જ વ્યક્તવ્યની વચ્ચે જ સંભળાવ્યું, ‘તમે મારા ઘરના નવા ઉગાડેલા ઘાસમાં ઉભા છો... અહીંથી બહાર નીકળો...!’

સાવ સ્તબ્ધ બની જવાય અને આ પ્રકારના અપમાનને શું કોઇ સહન કરી શકે...?  અને તે પણ વડાપ્રધાન જેવા સર્વોચ્ચ કક્ષાની વ્યક્તિ...??  પરંતુ બીજી જ મિનિટે મોરિસન જાણે પોતાની ભૂલ સમજી ગયા હોય તેમ તે ઘાસની બહાર નીકળી ગયા અને પોતાના સ્ટાફ અને બીજા લોકોને પણ તે ઘાસમાંથી દૂર કર્યા. તે વ્યક્તિ પાસે તરત જ પોતાની ભૂલની માફી માંગી અને ત્યાંથી સહેજ દૂર ફરી પોતાની કોન્ફરન્સ શરૂ કરી. પોતાનું અપમાન કરનાર, ટોકનાર અને તેમના ઘરમાંથી બહાર કાઢનાર વ્યક્તિ પ્રત્યે સહેજ પણ વેરભાવના રાખ્યા વિના તેનો આભાર પણ વ્યક્ત કર્યો.

*પોતાની ભૂલ હોવા છતાં પોતાના અહમ કે મિથ્યાઅભિમાનને કારણે નમતું ન જોખતા અનેક વ્યક્તિ માટે આ સત્યઘટના દિવાદાંડી સમાન છે.*

*